ઈશાન ખટ્ટર, જાન્હવી કપૂર અને વિશાલ જેટ્વા અભિનીત ફિલ્મ ‘હોમબાઉન્ડ’એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાનું નામ રોશન કર્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 9 મિનિટના સ્ટેન્ડિંગ ઓવેશન બાદ હવે આ ફિલ્મ ઓસ્કર 2026ની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે.
Homebound In Oscar 2026: ઈશાન ખટ્ટર અને જાન્હવી કપૂરની ફિલ્મ 'હોમબાઉન્ડ'એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે એક સારી ફિલ્મને બોક્સ ઓફિસના આંકડાઓની જરૂર નથી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 9 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મેળવનારી આ ફિલ્મે હવે ઓસ્કર સુધીનો માર્ગ બનાવી લીધો છે.
નીરાજ ઘાયવાનના દિગ્દર્શનમાં બનેલી અને વિશાલ જેટ્વા તથા ઈશાન ખટ્ટર અભિનીત 'હોમબાઉન્ડ'ને તાજેતરમાં 98મી એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જેનાથી ફિલ્મ નિર્માતા કરણ જોહર ખૂબ જ ભાવુક થઈ ગયા છે. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે ફિલ્મ ઓસ્કર કઈ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.
‘હોમબાઉન્ડ’ની યાત્રા
‘હોમબાઉન્ડ’એ સાબિત કરી દીધું છે કે એક શ્રેષ્ઠ વાર્તા અને ઉત્કૃષ્ટ અભિનય બોક્સ ઓફિસની કમાણીથી પરે સન્માન અને ઓળખ અપાવી શકે છે. ફિલ્મનું દિગ્દર્શન નીરાજ ઘાયવાને કર્યું છે, જ્યારે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે તેને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં વિશાલ જેટ્વા, ઈશાન ખટ્ટર અને જાન્હવી કપૂરના શાનદાર અભિનેયે તેને વિવેચકો અને દર્શકો બંને તરફથી પ્રશંસા અપાવી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલી 9 મિનિટની સ્ટેન્ડિંગ ઓવેશન પછી આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી ગઈ હતી. હવે ઓસ્કર માં શોર્ટલિસ્ટ થવું ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે.
ઓસ્કર 2026માં શોર્ટલિસ્ટ થયેલી 15 ફિલ્મો
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં કુલ 15 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરી છે, જેમાં ભારતની ‘હોમબાઉન્ડ’ પણ સામેલ છે. અન્ય દેશોની શોર્ટલિસ્ટ ફિલ્મો આ પ્રમાણે છે:
- આર્જેન્ટિના: Belen
- બ્રાઝિલ: The Secret Agent
- ફ્રાન્સ: It Was Just An Accident
- જર્મની: Sound of Falling
- ઇરાક: The President Cake
- જાપાન: Kokuho
- જોર્ડન: All That’s Left of You
- નોર્વે: Sentiment Value
- ફિલિસ્તિન: Palestine 36
- દક્ષણ કોરિયા: No Other Choice
- સ્પેન: Sirat
- સ્વિટ્ઝર્લેન્ડ: Late Shift
- તાઇવાન: Left-Handed Girl
- ટ્યુનિશિયા: The Voice of Hind Rajab
કરણ જોહરની પ્રતિક્રિયા

ફિલ્મના ઓસ્કર માં શોર્ટલિસ્ટ થવાની જાહેરાત બાદ કરણ જોહર ખૂબ જ ભાવુક થઈ ગયા. ધર્મા પ્રોડક્શનના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમણે આભાર વ્યક્ત કરતાં લખ્યું,
‘98મી એકેડેમી એવોર્ડ્સમાં અમારી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ. આ ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે.’
હવે ચાહકો એ રાહ જોઈ રહ્યા છે કે કઈ પાંચ ફિલ્મો ફાઈનલ નોમિનેશનમાં જગ્યા બનાવશે. આ ફાઈનલ લિસ્ટની જાહેરાત 22 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવશે. ઓસ્કર 2026 સમારોહ 15 માર્ચ 2026ના રોજ યોજાશે. આ વખતે પણ કોમેડિયન કોનન ઓ’બ્રાયન હોસ્ટિંગની કમાન સંભાળશે. ચાહકોને આશા છે કે ‘હોમબાઉન્ડ’ની ઉત્કૃષ્ટ વાર્તા અને અભિનય તેને ફાઈનલ નોમિનેશન સુધી લઈ જશે.








