TRAI રિપોર્ટ સપ્ટેમ્બર 2026 દેશમાં ટેલિફોન કનેક્શન વધીને 136.79 કરોડ

TRAIના સપ્ટેમ્બર 2026ના અહેવાલ મુજબ, ભારતમાં કુલ ટેલિફોન કનેક્શન વધીને 136.79 કરોડ અને બ્રોડબેન્ડ કનેક્શન 110.77 કરોડ થયાં. શહેરી-ગ્રામીણ ટેલિડેન્સિટી તથા જિયો અને એરટેલના બજારહિસ્સાના આંકડા જાણો.

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ 27 ઑક્ટોબરે સપ્ટેમ્બર 2026ના આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, દેશમાં એક મહિનામાં કુલ ટેલિફોન કનેક્શનમાં આશરે 72.3 લાખનો વધારો થયો છે. આ આંકડામાં મોબાઇલ, ફિક્સ્ડ વાયરલેસ અને લેન્ડલાઇન કનેક્શનનો સમાવેશ થાય છે. જોકે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓની પહોંચ વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે.

TRAIના અહેવાલ મુજબ, ઑગસ્ટ 2026ના અંતે દેશમાં કુલ 136.07 કરોડ ટેલિફોન કનેક્શન હતાં. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ સંખ્યા વધીને 136.79 કરોડ થઈ હતી. આ સમયગાળા દરમિયાન કુલ કનેક્શનમાં માસિક ધોરણે 0.53 ટકાનો વધારો નોંધાયો હતો.

દેશમાં ટેલિડેન્સિટી પણ ઑગસ્ટના 95.07 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 95.52 ટકા થઈ હતી. ટેલિડેન્સિટી એટલે દર 100 વ્યક્તિએ ટેલિફોન કનેક્શનની સંખ્યા. તેમાં મોબાઇલ, લેન્ડલાઇન અને અન્ય સંબંધિત કનેક્શનનો સમાવેશ થાય છે.

જોકે, ટેલિફોન કનેક્શનની સંખ્યા અને મોબાઇલનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા એકસરખી હોતી નથી. એક વ્યક્તિ પાસે બે કે તેથી વધુ સિમ કાર્ડ હોઈ શકે છે. અહેવાલમાં મશીન-ટુ-મશીન (M2M) કનેક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ટેલિકોમ સેવાઓના ઉપયોગમાં શહેરી વિસ્તારો ગ્રામીણ વિસ્તારો કરતાં આગળ રહ્યા છે. સપ્ટેમ્બરના અંતે શહેરી વિસ્તારોમાં આશરે 80.77 કરોડ ટેલિફોન કનેક્શન નોંધાયા હતા. દેશના કુલ કનેક્શનમાં શહેરી વિસ્તારોનો હિસ્સો 59.05 ટકા હતો.

ગ્રામીણ વિસ્તારોમાં આશરે 56.01 કરોડ કનેક્શન નોંધાયા હતા, જે કુલ કનેક્શનના 40.95 ટકા છે. સપ્ટેમ્બર દરમિયાન શહેરી વિસ્તારોમાં આશરે 55 લાખ નવા કનેક્શન ઉમેરાયા હતા, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ વધારો આશરે 17.3 લાખ રહ્યો હતો.

શહેરી અને ગ્રામીણ વિસ્તારોની ટેલિડેન્સિટી વચ્ચે પણ નોંધપાત્ર તફાવત રહ્યો હતો. શહેરી વિસ્તારોમાં દર 100 વ્યક્તિએ આશરે 156 કનેક્શન હતાં, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ સંખ્યા આશરે 61 હતી.

TRAI રિપોર્ટ સપ્ટેમ્બર 2026 દેશમાં ટેલિફોન કનેક્શન વધીને 136.79 કરોડ

રાજ્યો અને ટેલિકોમ સર્કલના આંકડા મુજબ, દિલ્હીમાં સૌથી વધુ 375.65 ટકા ટેલિડેન્સિટી નોંધાઈ હતી. દિલ્હી સર્કલના આંકડામાં નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદના કેટલાક વિસ્તારોનાં મોબાઇલ કનેક્શનનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ, બિહાર ટેલિકોમ સર્કલમાં ટેલિડેન્સિટી 64.49 ટકા રહી હતી, જે દેશમાં સૌથી ઓછી હતી. આ સર્કલમાં ઝારખંડનો પણ સમાવેશ થાય છે.

સપ્ટેમ્બરમાં દેશમાં વાયરલેસ કનેક્શનની સંખ્યા વધીને 131.92 કરોડ થઈ હતી. તેમાં મોબાઇલ અને ફિક્સ્ડ વાયરલેસ ઍક્સેસ સેવાઓનો સમાવેશ થાય છે.

રિલાયન્સ જિયો આશરે 51.11 કરોડ મોબાઇલ કનેક્શન અને 39.32 ટકા બજારહિસ્સા સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો. ભારતી એરટેલ પાસે આશરે 49.43 કરોડ કનેક્શન હતાં અને તેનો બજારહિસ્સો 38.02 ટકા નોંધાયો હતો.

જોકે, સક્રિય મોબાઇલ કનેક્શનના પ્રમાણમાં એરટેલ આગળ રહ્યો હતો. કંપનીનાં 98.94 ટકા કનેક્શન સક્રિય હતાં.

TRAIના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર દરમિયાન આશરે 1.68 કરોડ ગ્રાહકોએ મોબાઇલ નંબર પોર્ટ કરાવવા માટે અરજીઓ કરી હતી.

ઇન્ટરનેટ સેવાઓમાં પણ વધારો નોંધાયો હતો. ઑગસ્ટમાં દેશમાં આશરે 110.12 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન હતાં, જે સપ્ટેમ્બરમાં વધીને 110.77 કરોડ થયાં હતાં. બ્રોડબેન્ડ બજારમાં જિયો પ્રથમ અને એરટેલ બીજા સ્થાને રહ્યા હતા.

5G ફિક્સ્ડ વાયરલેસ ઍક્સેસ (FWA), એટલે કે એરફાઇબર કનેક્શનમાં પણ 1.13 ટકાનો વધારો થયો હતો. સપ્ટેમ્બરમાં આવા કનેક્શનની સંખ્યા આશરે 1.36 કરોડ થઈ હતી. તેમાં જિયોના આશરે 95.2 લાખ અને એરટેલના 40.9 લાખ કનેક્શનનો સમાવેશ થાય છે.

આ ટેક્નોલોજી મોબાઇલ નેટવર્ક દ્વારા ઘરો અને કાર્યાલયોમાં ઇન્ટરનેટ પહોંચાડે છે. તેના માટે દરેક જગ્યાએ પરંપરાગત ફાઇબર કેબલ નાખવાની જરૂર પડતી નથી.

 

Leave a comment