પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શનિવારે આસામના સિલચરમાં લગભગ ₹24,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે બરાક વેલીની મહત્વપૂર્ણ ભૌગોલિક અને આર્થિક ભૂમિકાને રેખાંકિત કરી અને જણાવ્યું કે આ વિસ્તારમાંથી દક્ષિણ-પૂર્વ એશિયાના મોટા બજારો સુધી કનેક્ટિવિટી વધશે.
સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સિલચરને બરાક વેલીનું ગેટવે કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે આ એવું સ્થાન છે જ્યાં ભાષા અને સંસ્કૃતિના સંગમથી એક વિશિષ્ટ ઓળખ ઉભી થઈ છે. તેમણે જણાવ્યું કે બરાક નદીના ઉપજાઉ મેદાનો, અહીંના ચા બાગાન, ખેડૂત સમુદાય, વેપાર માર્ગો અને શિક્ષણ સંસ્થાઓ સતત પ્રેરણાનું સ્ત્રોત રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વિસ્તાર આસામ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળને પણ જોડે છે. તેમણે કહ્યું કે બરાક વેલીના આ વિસ્તારને 21મી સદીમાં વધુ મજબૂત બનાવવા માટે તેઓ અહીં આવ્યા છે. તેમણે પ્રદેશના વિકાસ, કૃષિ, શિક્ષણ અને આધારીક માળખા સંબંધિત અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને સ્થાનિક લોકોને વધુ સારા અવસરો અંગે આશ્વાસન આપ્યું.
સિલચર–શિલોંગ એક્સેસ કન્ટ્રોલ્ડ હાઈ સ્પીડ કોરિડોર

પ્રધાનમંત્રીએ સિલચર–શિલોંગ કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. 166 કિલોમીટર લાંબો આ એક્સેસ કન્ટ્રોલ્ડ હાઈ-સ્પીડ કોરિડોર લગભગ ₹22,860 કરોડના ખર્ચે નિર્માણ પામશે. આ કોરિડોર પૂર્ણ થયા પછી ગુવાહાટી અને સિલચર વચ્ચેનો મુસાફરી સમય 8.5 કલાકથી ઘટીને લગભગ 5 કલાક રહેશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ કોરિડોર દ્વારા સિલચર, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ માર્ગ દ્વારા આગળ બાંગ્લાદેશ અને મ્યાનમાર મારફતે દક્ષિણ-પૂર્વ એશિયાના મોટા બજારો સુધી પહોંચ વધારવાનો માર્ગ ખુલશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સથી બરાક વેલી ઉત્તર-પૂર્વનો એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને ટ્રેડ હબ બની શકે છે. તેમણે કહ્યું, “રેલ, કૃષિ અને વન ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ યુવાનો માટે રોજગારના અવસરો વધારશે.” તેમણે ઉમેર્યું કે ભાજપનો ઉદ્દેશ પાછળ પડેલા અને સરહદી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો છે.
કોંગ્રેસ અંગે ટિપ્પણી
સંબોધનમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસની પણ ટીકા કરી. તેમણે કહ્યું, “આઝાદી પછીના દાયકાઓ સુધી કોંગ્રેસે ઉત્તર-પૂર્વને દિલ્હી અને દિલ બંનેથી દૂર રાખ્યો. બરાક વેલીનો સમુદ્ર સાથેનો સંપર્ક પણ કોંગ્રેસે તોડી નાખ્યો. જ્યાં કોંગ્રેસના લોકોના મગજનું તાળું બંધ થઈ જાય છે, ત્યાંથી અમારું કામ શરૂ થાય છે.” પ્રધાનમંત્રીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસે આસામમાં ‘ફૂટ પાડો અને શાસન કરો’ની નીતિ અપનાવી અને યુવાનોને હિંસા અને આતંકવાદમાં ફસાવી રાખ્યા. તેમણે જણાવ્યું કે ભાજપે સરહદી ગામોને પ્રાથમિકતા આપીને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે.












