ન્યૂયોર્ક શહેરના નવા મેયર ઝોહરાન મમદાણીએ ઐતિહાસિક વિજય મેળવ્યો. 50.4% મતો સાથે મમદાણી સૌથી યુવા મેયર બન્યા અને પ્રથમ મુસ્લિમ તેમજ દક્ષિણ એશિયાઈ પ્રવાસી છે. તેમણે આર્થિક અસમાનતા અને જીવનનિર્વાહના મુદ્દાઓને ચૂંટણીલક્ષી પ્રાથમિકતા આપી.
અમેરિકા: ન્યૂયોર્ક શહેરના નવા મેયર ઝોહરાન મમદાણીએ મંગળવારે રાત્રે ઐતિહાસિક જીત મેળવી. ભારતીય મૂળના મમદાણી આ પદ સંભાળનારા સૌથી યુવા મેયર છે અને સાથે જ પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયાઈ પ્રવાસી પણ છે. તેમણે ડેમોક્રેટિક હરીફ એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સિલ્વાને હરાવીને 50.4 ટકા મત મેળવ્યા.
વિજય ભાષણમાં નેહરુના શબ્દોનો ઉલ્લેખ
મમદાણીએ પોતાની જીતની ઉજવણી કરતા ભાષણ આપ્યું. તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના 1947ના જાણીતા ભાષણ 'Tryst With Destiny'ને ટાંકીને કહ્યું, "મને જવાહરલાલ નેહરુના શબ્દો યાદ આવે છે. ઇતિહાસમાં આવી ક્ષણો બહુ ઓછી આવે છે, જ્યારે આપણે જૂનામાંથી નવા તરફ કદમ મૂકીએ છીએ, જ્યારે એક યુગનો અંત થાય છે અને લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રના આત્માને અભિવ્યક્તિ મળે છે.

આજ રાત્રે, ન્યૂયોર્કે બરાબર આ જ કર્યું છે. આ નવો યુગ સ્પષ્ટતા, હિંમત અને દૂરંદેશીની માંગ કરે છે, કોઈ બહાનાની નહીં."
આર્થિક મુદ્દાઓ પર મમદાણીના વાયદા
મમદાણીએ ચૂંટણીમાં આર્થિક અસમાનતા અને જીવનનિર્વાહના ખર્ચને મુખ્ય મુદ્દો બનાવ્યો. તેમણે સ્થિર ભાડાવાળા ઘરોમાં રહેતા લોકો માટે ભાડા પર નિયંત્રણ મૂકવા, પોષણક્ષમ આવાસ નિર્માણ, મફત અને ઝડપી બસ સેવા, મફત ચાઇલ્ડકેર અને શહેરની માલિકીની કરિયાણાની દુકાનો સ્થાપવાનો વાયદો કર્યો. આ ઉપરાંત, તેમણે ધનિકો પર કર વધારવાનો પ્રસ્તાવ પણ મૂક્યો.
સામાજિક મુદ્દાઓ પર મક્કમ દ્રષ્ટિકોણ
મમદાણીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય શહેરમાં જીવનનિર્વાહના ખર્ચને સંતુલિત કરવાનો અને નાગરિકો માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. મમદાણીની સ્પીચ પૂરી થયા પછી તરત જ બોલિવૂડ ફિલ્મ 'ધૂમ મચાલે'નું ટાઇટલ મ્યુઝિક વગાડવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થયો.









