તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો બાદ રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા થયા છે. સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી TVK (તમિલ વેટ્રી કઝગમ)ને હવે સરકાર રચવા માટે કોંગ્રેસનો સમર્થન મળ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે મંગળવારે મોડી રાત્રે યોજાયેલી તમિલનાડુ પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની તાત્કાલિક બેઠકમાં સર્વસંમતિથી TVK પ્રમુખ વિજયને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.
આ બેઠક ઓનલાઇન યોજાઈ હતી, જેમાં દિલ્હીમાંથી કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. આ નિર્ણય બાદ રાજ્યમાં નવા ગઠબંધન સરકારના માર્ગ વધુ સ્પષ્ટ બન્યા છે.
234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં TVKએ 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું છે. જોકે, બહુમતી માટે જરૂરી આંકડો 118 બેઠકોનો છે, જેના કારણે પાર્ટીને ઓછામાં ઓછા 10 વધારાના ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી.
આ રાજકીય પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસે TVKને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યો છે, જ્યારે અન્ય નાના પક્ષોમાં PMKના 4 અને CPI તથા CPI(M)ના 2-2 ધારાસભ્યો છે. આ સમર્થન સાથે TVK બહુમતીનો આંકડો પાર કરી શકે તેવી સ્થિતિમાં પહોંચી છે.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ ગઠબંધન તમિલનાડુમાં નવા રાજકીય તબક્કાની શરૂઆત બની શકે છે, જ્યાં પરંપરાગત રીતે મજબૂત રહેલા DMK અને AIADMK સામે નવો રાજકીય વિકલ્પ ઉભરી આવ્યો છે.
કોંગ્રેસે પોતાના સત્તાવાર વલણમાં જણાવ્યું છે કે તમિલનાડુની જનતાએ “સેક્યુલર અને સ્થિર સરકાર”ના પક્ષમાં જનાદેશ આપ્યો છે. પાર્ટીએ એમ પણ જણાવ્યું કે તે કોઈપણ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અથવા તેની સહયોગી પાર્ટીઓને રાજ્યની સત્તામાં આવવાથી રોકવા માંગે છે.
![]()
પાર્ટી નેતાઓના જણાવ્યા અનુસાર, TVKને સમર્થન આપવાનો નિર્ણય માત્ર રાજકીય નહીં પરંતુ વૈચારિક આધાર પર લેવામાં આવ્યો છે.
ચૂંટણી પરિણામો બાદ TVK પ્રમુખ વિજયે કોંગ્રેસ અને અન્ય સહયોગી પક્ષો પાસે ઔપચારિક સમર્થનની અપીલ કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ પ્રથમ વખત ચૂંટણી લડીને 108 બેઠકો પર જીત મેળવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે TVK સરકાર રચવાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં વિધાનમંડળ પક્ષની બેઠકમાં નેતાની પસંદગી કરીને સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે.
આ ચૂંટણી પરિણામોએ તમિલનાડુની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવ્યો છે. છેલ્લા ઘણા દાયકાઓથી રાજ્યની સત્તા DMK અને AIADMK વચ્ચે કેન્દ્રિત રહી હતી, પરંતુ આ વખતે TVK સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે.
DMKને 59 બેઠકો અને AIADMKને 47 બેઠકો મળી છે, જેના કારણે બંને પક્ષો સત્તાની દોડથી બહાર રહ્યા છે.
તમિલનાડુમાં ઉભરેલા નવા રાજકીય ગઠબંધનનો પ્રભાવ રાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડી શકે છે. કોંગ્રેસ દ્વારા TVKને આપવામાં આવેલ સમર્થનને વિરોધી ગઠબંધનની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે, જેનો હેતુ રાજ્યોમાં BJPના પ્રભાવને રોકવાનો છે.
રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આ ગઠબંધન સ્થિર રહે છે તો તે 2029ની લોકસભા ચૂંટણી પહેલાં મજબૂત પ્રાદેશિક અને રાષ્ટ્રીય વિરોધી મોરચા માટે આધાર બની શકે છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્પષ્ટ કર્યું કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. તેમણે જણાવ્યું કે તેમની સરકાર જનાદેશથી નહીં પરંતુ સાજિશથી પ્રભાવિત થઈ છે.
અસમ અને પુડુચેરીમાં NDAએ ફરીથી સરકાર બનાવી છે, જ્યારે કેરળમાં કોંગ્રેસને આગળ વધારાનો લાભ મળ્યો છે. વિવિધ રાજ્યોના આ પરિણામોએ ભારતીય રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઊભા કર્યા છે.











