દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં PG બિલ્ડિંગ ધરાશાયી થવાના કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે PG સંચાલક સુધાંશુ ઘટનાસ્થળથી લગભગ 100 મીટર દૂર આવેલી પોતાની ઓફિસમાં હાજર હતો. અકસ્માતની જાણ થયા છતાં તે કથિત રીતે ઘટનાસ્થળે પહોંચ્યો નહોતો. પોલીસ હવે તેના કોલ ડિટેલ રેકોર્ડ (CDR)ની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુધાંશુને આશંકા હતી કે અકસ્માત બાદ સ્થાનિક લોકો તેની સાથે મારપીટ કરી શકે છે. જણાવાયું છે કે તેણે કેટલાક ફોન કોલ કર્યા અને ત્યારબાદ ત્યાંથી ચાલ્યો ગયો. સુધાંશુ દિલ્હીનો ભજનપુરા વિસ્તારનો રહેવાસી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુધાંશુ પોતાના મિત્ર શુભમ ત્યાગી સાથે વર્ષ 2022થી PGનો વ્યવસાય ચલાવતો હતો. બંનેએ સત્ય નિકેતનમાં “Hostel Daze” નામથી PGનું સંચાલન શરૂ કર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં બંને સત્ય નિકેતન વિસ્તારમાં સાત PG અથવા અન્ય accommodation facilities ચલાવતા હતા. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, તેનું સંચાલન પણ આ બંને કરતા હતા.
અકસારત થયેલી બિલ્ડિંગ સુધાંશુ અને શુભમે ઓગસ્ટ 2025માં દર મહિને 1.05 લાખ રૂપિયાના ભાડે લીધી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતગ્રસ્ત બિલ્ડિંગની સ્થિતિ પહેલેથી જ જર્જરિત હતી. આ કારણે તેને તુલનાત્મક રીતે ઓછા ભાડે લેવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે PG સંચાલકોને બિલ્ડિંગની સ્થિતિ તેમજ તેમાં ચાલી રહેલા મરામત અને બાંધકામના કામથી ઊભા થઈ શકે તેવા સંભવિત જોખમની જાણ હતી.
આ છતાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સંચાલકોએ બિલ્ડિંગની મરામત અથવા બાંધકામની પ્રવૃત્તિઓ પર પૂરતું ધ્યાન આપ્યું નહોતું.
જોકે, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે PG સંચાલકોએ બિલ્ડિંગમાં કોઈ મોટો સ્ટ્રક્ચરલ ફેરફાર કરાવ્યો નહોતો. તેમણે મુખ્યત્વે દિવાલો પર પેઇન્ટ કરાવ્યું હતું અને સેકન્ડ-હેન્ડ AC, બેડ, અલમારી તથા ટેબલ જેવી વસ્તુઓ મૂકી હતી.
અકસ્મત બાદ PG સંચાલકનો બિઝનેસ પાર્ટનર શુભમ ત્યાગી ફરાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસની અનેક ટીમો તેની શોધખોળ કરી રહી છે. તપાસ એજન્સીઓ અકસ્માતમાં તેની સંભવિત ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
આ કેસમાં પોલીસે મંગળવારે સનોજ કુમારની ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી ધરપકડ કરી હતી. સનોજ કુમાર અકસ્માતગ્રસ્ત બિલ્ડિંગના માલિક મહેશ ગુપ્તાનો લેબર કોન્ટ્રાક્ટર હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મહેશ ગુપ્તાએ સનોજને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં બાંધકામ તથા મરામતનું કામ સોંપ્યું હતું.
પૂછપરછમાં સામે આવ્યું છે કે સનોજ કુમાર આશરે 10 દિવસ પહેલાંથી આ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરને એક જ લેવલ પર લાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંધકામ અને મરામત દરમિયાન બેઝમેન્ટમાં આશરે ત્રણ ટ્રક મલબો ભરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન માટે જગ્યા તૈયાર કરવામાં એક દિવાલ અડચણરૂપ બની રહી હતી.
પોલીસના દાવા અનુસાર, અકસ્માતના દિવસે કથિત રીતે આ દિવાલ તોડી પાડવામાં આવી હતી. તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દિવાલ હટાવ્યા બાદ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર વધારાનો ભાર સહન કરી શક્યું નહીં અને સમગ્ર પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ.
હાલ પોલીસ અકસ્માતના ટેકનિકલ અને બાંધકામ સંબંધિત પાસાઓની તપાસ કરી રહી છે. દિવાલ તોડવામાં આવવી, બેઝમેન્ટમાં મલબો જમા થવો અને બિલ્ડિંગની પહેલેથી રહેલી સ્થિતિ વચ્ચેના સંબંધને પણ તપાસનો ભાગ બનાવવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે ત્યાં કામ કરતા મજૂરો લંચ કરવા માટે બહાર ગયા હતા. આ કારણે કોન્ટ્રાક્ટર સનોજ કુમાર અને તેના મજૂરો અકસ્માતની ચપેટમાં આવવાથી બચી ગયા.
લંચ બાદ જ્યારે સનોજ કુમાર બિલ્ડિંગ તરફ પાછો ફર્યો ત્યારે તેણે બિલ્ડિંગને સંપૂર્ણ રીતે ધરાશાયી થયેલી સ્થિતિમાં જોઈ હતી. ત્યારબાદ કેસની તપાસ શરૂ થઈ અને પોલીસે બાંધકામ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી.
સત્ય નિકેતન PG અકસ્માતની તપાસમાં હવે માત્ર બાંધકામ સાથે જોડાયેલા લોકોની ભૂમિકા જ નહીં, પરંતુ PG સંચાલકોની જવાબદારી પણ તપાસના દાયરામાં છે.
પોલીસ તપાસી રહી છે કે બિલ્ડિંગની સ્થિતિ અંગે સંચાલકોને કેટલી જાણકારી હતી અને બાંધકામ અથવા મરામત દરમિયાન તેમણે સુરક્ષાને લઈને કયા પગલાં લીધા હતા.
સુધાંશુ ઘટનાસ્થળથી માત્ર 100 મીટર દૂર હોવા છતાં ત્યાં ન પહોંચ્યો હોવાની માહિતી પણ તપાસનો મહત્વપૂર્ણ ભાગ બની છે. પોલીસ તેના કોલ ડિટેલ રેકોર્ડ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માતની જાણ થયા બાદ તેણે કયા લોકો સાથે સંપર્ક કર્યો અને ત્યારબાદ તેની ગતિવિધિઓ શું રહી.
હાલ શુભમ ત્યાગીની શોધખોળ ચાલુ છે અને પોલીસે ધરપકડ કરાયેલા લેબર કોન્ટ્રાક્ટર સનોજ કુમાર પાસેથી મળેલી માહિતીના આધારે અકસ્માતની સમગ્ર કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. બિલ્ડિંગના માલિક, PG સંચાલકો અને બાંધકામ સાથે જોડાયેલા લોકોની ભૂમિકાની તપાસના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળ કઈ પરિસ્થિતિઓ અને કયા સ્તરની બેદરકારીની ભૂમિકા હતી. હાલ સામે આવેલા તથ્યોના આધારે બાંધકામનું કામ, જર્જરિત બિલ્ડિંગ, બેઝમેન્ટમાં મલબો અને દિવાલ હટાવવાની પ્રક્રિયા તપાસના મુખ્ય મુદ્દા છે.













