નેટફ્લિક્સની 'દિલ્હી ક્રાઈમ 3'માં હુમા કુરેશીનો દમદાર અવતાર: અભિનેત્રીએ શેર કર્યા અનુભવો

નેટફ્લિક્સની 'દિલ્હી ક્રાઈમ 3'માં હુમા કુરેશીનો દમદાર અવતાર: અભિનેત્રીએ શેર કર્યા અનુભવો

‘મહારાણી’ બનીને OTTની દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી ચૂકેલી હુમા કુરેશી હવે નેટફ્લિક્સની પ્રખ્યાત સીરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ની નવી સીઝનમાં જોવા મળશે. ‘દિલ્હી ક્રાઈમ 3’માં હુમા નકારાત્મક ભૂમિકા ભજવી રહી છે, જેનું ટ્રેલર આજે રિલીઝ થયું.

એન્ટરટેઈનમેન્ટ: બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi) આ દિવસોમાં પોતાની આગામી વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ 3 (Delhi Crime 3)’ને લઈને ચર્ચામાં છે. નેટફ્લિક્સની આ હિટ ક્રાઈમ ડ્રામા સિરીઝની ત્રીજી સીઝનનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે અને તેમાં હુમા કુરેશીના નવા અને દમદાર અવતારને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

હુમા કુરેશીએ ટ્રેલર લોન્ચ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા સિરીઝમાં પોતાના રોલ, સહ-કલાકારો સાથે કામ કરવાના અનુભવ અને આ યુનિવર્સનો ભાગ બનવા અંગેના પોતાના મનોભાવો શેર કર્યા.

દિલ્હી ક્રાઈમનો ભાગ બનવું મારા માટે સન્માનની વાત – હુમા કુરેશી

'હું દિલ્હી ક્રાઈમની ખૂબ મોટી પ્રશંસક છું. શેફાલી શાહે જે કર્યું છે, તે અવિશ્વસનીય છે. રસિકા દુગ્ગલ અને બાકીના બધા કલાકારોએ જે રીતે આ શોને જીવંત કર્યો છે, તે અદ્ભુત છે. આ યુનિવર્સનો ભાગ બનવું મારા માટે સન્માનની વાત છે.'

હુમાએ આગળ કહ્યું કે તેમને ખબર હતી કે આ સિરીઝમાં કામ કરતી વખતે તેમને પોતાનું સર્વશ્રેષ્ઠ (Best Performance) પ્રદર્શન આપવું જ પડશે, કારણ કે આ શો દર્શકો સાથે ખૂબ ભાવનાત્મક રીતે જોડાયેલો છે. આ એક એવી વાર્તા છે જેને લોકો દરેક સીઝનમાં પ્રેમ આપતા આવ્યા છે. તેથી મને લાગ્યું કે મારે મારા પ્રદર્શનમાં કોઈ કમી ન રાખવી જોઈએ.

સેટ પર ક્યારેય એવું લાગ્યું નહીં કે હું નવી છું - હુમા

સિરીઝની બાકીની કાસ્ટ સાથે પોતાના અનુભવને શેર કરતા હુમા કુરેશીએ જણાવ્યું કે તેમને દિલ્હી ક્રાઈમની ટીમે ખૂબ હૂંફથી અપનાવ્યા. આખી કાસ્ટે મારું શાનદાર સ્વાગત કર્યું. મને એક ક્ષણ માટે પણ એવું ન લાગ્યું કે હું આ સેટ પર નવી છું. બધા ખૂબ જ પ્રેમાળ અને સહાયક હતા. હુમાએ આગળ જણાવ્યું કે તેમનો મોટાભાગનો સમય શેફાલી શાહ (Shefali Shah) સાથે વીત્યો, કારણ કે સિરીઝમાં બંનેના ઘણા સીન સાથે છે.

શેફાલી સાથે કામ કરવું ખૂબ જ પ્રેરણાદાયક અનુભવ હતો. અમારી ટીમમાં તે મોટી દીદી જેવી હતી. અમારા બંને વચ્ચે જે સીન શૂટ થયા, તે ખૂબ જ ભાવનાત્મક અને તીવ્ર હતા, પરંતુ શૂટિંગનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહ્યું.

તનુજ ચોપરાના નિર્દેશનમાં કામ કરવું શાનદાર રહ્યું

સિરીઝના નિર્દેશક તનુજ ચોપરા (Tanuj Chopra) સાથે કામ કરવાના અનુભવ અંગે હુમાએ કહ્યું, તનુજ ખૂબ જ સમજદાર અને દૂરંદેશી દિગ્દર્શક છે. તેઓ જાણે છે કે પોતાના કલાકારો પાસેથી શું જોઈએ છે અને કેવી રીતે કઢાવવું. તેમણે દરેક સીનમાં અમને પ્રયોગ કરવાની સ્વતંત્રતા આપી, જેનાથી પાત્રો અને વાર્તા બંને મજબૂત બન્યા.

હુમાએ જણાવ્યું કે તેમણે પોતાના પાત્ર માટે ઘણા મહિનાઓ સુધી તૈયારી કરી અને પોતાના રોલને વાસ્તવિક બનાવવા માટે ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન પર રિસર્ચ પણ કરી.

‘દિલ્હી ક્રાઈમ 3’માં શું ખાસ હશે

‘દિલ્હી ક્રાઈમ 3’નું ટ્રેલર દર્શકોને ફરી એકવાર દિલ્હીની સડકો પર બનતી રહસ્યમય ઘટનાઓની દુનિયામાં લઈ જાય છે. આ સિઝનમાં શેફાલી શાહ ફરી એકવાર DCP વર્તિકા ચતુર્વેદીના પાત્રમાં જોવા મળશે. જ્યારે હુમા કુરેશીનું પાત્ર વાર્તામાં ટ્વિસ્ટ અને સંઘર્ષ લાવશે. સિરીઝમાં શેફાલી શાહ અને હુમા કુરેશી ઉપરાંત રાજેશ તૈલંગ, રસિકા દુગ્ગલ, અનુરાગ અરોરા અને જયા ભટ્ટાચાર્ય જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

તનુજ ચોપરાના નિર્દેશનમાં બનેલી ‘Delhi Crime 3’ને Netflix India પર 13 નવેમ્બર 2025થી સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિરીઝથી ચાહકોને ફરીથી એ જ વાસ્તવિક વાર્તા અને દમદાર પ્રદર્શન જોવા મળવાની અપેક્ષા છે જેણે અગાઉની બંને સીઝનને સુપરહિટ બનાવી હતી.

Leave a comment