નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC NET June 2026 પરીક્ષા માટે એપ્લિકેશન ફોર્મમાં સુધારા કરવા માટે શરૂ કરાયેલ કરેકશન વિન્ડો આજે 28 મે રાત્રે 11:50 વાગ્યે બંધ થશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મારફતે પસંદ કરાયેલા ફીલ્ડ્સમાં ઓનલાઈન ફેરફાર કરી શકશે, ત્યારબાદ કોઈપણ પ્રકારના સુધારા સ્વીકારવામાં આવશે નહીં.
UGC NET June 2026 પરીક્ષાની અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NTAએ ઉમેદવારોને અરજી ફોર્મમાં સુધારા કરવાની તક આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ, કરેકશન વિન્ડો 28 મે 2026ના રોજ રાત્રે 11:50 વાગ્યા સુધી જ સક્રિય રહેશે. અરજી ફોર્મમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તેવા ઉમેદવારોને સમયમર્યાદા પહેલાં સુધારો કરવાની તક આપવામાં આવી છે.
કરેકશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે અને ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મારફતે ઘરેથી જ ફેરફાર કરી શકે છે.
NTA દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર ઉમેદવારો માત્ર પસંદ કરાયેલા કેટલાક ફીલ્ડ્સમાં જ ફેરફાર કરી શકશે. તેમાં જન્મ તારીખ, કેટેગરી, માતા-પિતાનું નામ અને પરીક્ષા શહેરની પસંદગીનો સમાવેશ થાય છે.
જો કે, કેટલીક મહત્વપૂર્ણ વિગતોમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ઉમેદવારો નામ, જન્ડર, ફોટો, સહી, મોબાઇલ નંબર, ઈમેલ આઈડી અને સરનામા જેવી વિગતોમાં સુધારો કરી શકશે નહીં.
![]()
ફોર્મમાં સુધારો કરવા માટે ઉમેદવારોએ સૌથી પહેલાં UGC NETની સત્તાવાર વેબસાઇટ પર જઈ Correction Window લિંક પર ક્લિક કરીને લોગિન કરવું પડશે.
લોગિન કર્યા બાદ ઉમેદવારો તે ફીલ્ડ્સમાં ફેરફાર કરી શકશે જેમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ ફેરફારો પૂર્ણ કર્યા બાદ ફોર્મ સબમિટ કરવું ફરજિયાત રહેશે. ભવિષ્યના ઉપયોગ માટે સુધારાયેલ ફોર્મનો પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે.
અરજી પ્રક્રિયા સંબંધિત મુશ્કેલી સર્જાય તો ઉમેદવારો NTA હેલ્પલાઇન નંબર 011-40759000 અથવા 011-69227700 પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત [email protected] પર ઈમેલ મારફતે પણ સહાય મેળવી શકાય છે.
NTAના જણાવ્યા મુજબ UGC NET June 2026 પરીક્ષા 22 જૂનથી 30 જૂન 2026 વચ્ચે યોજાશે. પરીક્ષા CBT એટલે કે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે.
પરીક્ષામાં બે પેપર હશે. પેપર 1માં 50 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 100 ગુણના હશે. પેપર 2માં 100 પ્રશ્નો સામેલ હશે અને તેના માટે 200 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. બંને પેપર પૂર્ણ કરવા માટે ઉમેદવારોને કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે.








